13 વર્ષની બહેન બની મોટી બહેન....બાળકો ખાસ વાંચે

પૃથ્વી પર આવો ચમત્કાર ક્યારેય થયો નથી:જ્યાં એનેકોન્ડા જેવા સાપ છે એવા એમેઝોન જંગલમાં ચાર બાળકો 40 દિવસ જીવતા કેવી રીતે રહ્યા? બાળકોની દાદીએ ખોલ્યું સસ્પેન્સ-

''ચમત્કાર.. ચમત્કાર.. ચમત્કાર.. ચમત્કાર..'' કોલંબિયાના આર્મી જવાનોએ એમેઝોનના ગાઢ જંગલમાંથી સેટેલાઈટ ફોનથી મેસેજ તેના હેડક્વાર્ટરમાં મોકલ્યો. 4 વખત ચમત્કાર એ કોડ હતો કે એમેઝોનના જંગલમાં ખોવાઈ ગયેલા ચારેય બાળકો જીવતા છે.

ઘાસની ભારીમાંથી સોય શોધવી સહેલી છે પણ એમેઝોનના જંગલમાં ખોવાઈ ગયેલી વ્યકિત મળવી મુશ્કેલ હી નહીં, નામુમકીન હૈ...

પહેલાં જાણી લઈએ કે આખી ઘટના શું છે
દિવસ હતો પહેલી મે, 2023નો. બ્રાઝીલના સાઓ પોલો સ્ટેટના આરાકવારા શહેરના નાનકડા એરપોર્ટ પર 7 સીટવાળું નાનું પ્લેન સેસના-206 ઊભું છે. સીંગલ એન્જિનના આ પ્લેનમાં ચાર બાળકો પહેલાં ચડે છે. બધા ધમાલ કરે છે, દાદા-દાદીને ત્યાં જશું, ધમાલ કરશું. આ બાળકોમાં સૌથી મોટી 13 વર્ષની દીકરી લેસલી મુકુટી, 9 વર્ષનો સોલેની મુકુટી, 4 વર્ષનો ટાઈન મુકુટી અને માત્ર 11 મહિનાનો ક્રિસ્ટીન મુકુટી હતા. ત્રણ બાળકો દોડીને પ્લેનમાં ચડી ગયા. 11 મહિનાના બાળકને લઈને મમ્મી મગદાલેના મુકુટી પણ પ્લેનમાં બેઠી. પાટલટ આવ્યા અને પાયલટની બાજુની સીટમાં એક સ્થાનિક નેતા પણ હતા. એ પણ મુસાફર તરીકે બેઠા.
આરાકવારા શહેર એમેઝોન જંગલ વિસ્તારમાં જ આવેલું છે. બાળકો રમતાં રમતાં જંગલ વિસ્તારમાં ક્યારે ચાલ્યા જાય તેની પણ ખબર નથી હોતી. આ બાળકો તેની મમ્મી સાથે બ્રાઝીલના મોટા શહેર સાઓ પોલો જતા હતા. મુકુટી ફેમિલી મૂળ કોલંબિયાનું વતની. કોલંબિયા અને બ્રાઝીલ બાજુબાજુના જ દેશ છે એટલે આ પરિવાર કોલંબિયાનો નાગરિક હતો પણ બ્રાઝિલ કામ માટે સ્થાયી થયો હતો.

પ્લેન ઊડ્યું તો ખરૂં પણ...
7 સીટર પ્લેનમાં બધા બેસી ગયા. પાઇલટે એન્જિન ચાલુ કર્યું. ખરરર..ખરરર.. અવાજ સાથે નાનકડું પ્લેન ચાલુ થયું. ઊડતાં જ બારીમાંથી એમેઝોન જંગલની અદભૂત ભવ્યતા દેખાઈ. નીચે જોઈએ તો જાણે પૃથ્વી જ લીલીછમ બની ગઈ હોય એવું દ્રશ્ય. નાનાં પર્વતો, સર્પાકાર જેવી દેખાતી એમેઝોન નદી. પ્લેન ઊડ્યું તેની પંદર જ મિનિટમાં એક મોટો ઝટકો આવ્યો. પહેલાં તો એમ થયું કે વાદળાંના કારણે આવું થયું હશે પણ તરત બીજા જ ઝટકા સાથે પ્લેન હવામાં બંધ થઈ ગયું. પાયલટે કહ્યું, ધ્યાન રાખજો પ્લેન ક્રેશ થવામાં છે. એન્જિન બંધ પડી ગયું છે. નીચે ગાઢ જંગલ અને ઉપર ઈશ્વર સિવાય કોઈ નહોતું. બાળકોને તો બહુ ખબર પડે નહીં પણ તેની મમ્મી રડવા લાગી અને પ્રાર્થના કરવા લાગી. એવામાં પ્લેનનો આગળનો ભાગ ધરતી તરફ નમી ગયો અને સડસડાટ જંગલ તરફ ધસ્યું. 80-80 ફૂટ ઊંચા ઝાડ ચીરીને એમેઝોન જંગલમાં પ્લેન ક્રેશ થયું. પ્લેનમાં 3 એડલ્ટ હતા ને 4 બાળકો હતા. 3 એડલ્ટ પ્લેનમાં જ મરી ગયા. બચ્યા 4 બાળકો.

એમેઝોનના જંગલમાં આ રીતે 7 સીટર પ્લેન ક્રેશ થયું

 

પછી શું થયું?
બચી ગયેલા ચાર બાળકોમાં એક બાળક તો તેના મમ્મીના ખોળામાં હતું એ સૌથી મોટી કરૂણાંતિકા હતી. પણ મમ્મીનું માથું બારીના કાચ સાથે અથડાવાથી સ્થળે જ મૃત્યુ થયું ને ખોળામાં બેઠેલો 11 વર્ષનો બાળક ઉલળીને નીચે પડ્યો. ચારેય બાળકો ઘાયલ અવસ્થામાં રડતા રડતા પડ્યા હતા. એમાં ત્રણ ભાઈઓની સૌથી મોટી બહેન લેસ્લીએ ત્રણેય નાનાં ભાઈઓને કહ્યું કે, ચિંતા ના કરો, આપણે જલદી આપણા ઘરે જઈશું. તેને ખબર હતી કે તેની મમ્મી હવે રહી નથી, છતાં તે હિંમત હારી નહીં ને ત્રણેય નાનાં ભાઈઓને લઈને કાટમાળની બહાર નીકળવાનો પ્રયાસ કર્યો.
પ્લેનના કાટમાળની બહાર જેમ-તેમ કરીને નીકળી ગયા. હવે જંગલમાં ક્યાં જવું? કોને કહેવું? શું કરવું, કાંઈ સમજાતું નહોતું. ધીમે ધીમે સાંજ ઢળવા આવી. દિવસ પૂરો થવામાં હતો. રાત પડી રહી હતી. જરા અમસ્તો વિચાર કરો. જે જંગલમાં જમીન પર સૂર્યનું કિરણ પહોંચતું નથી ત્યાં રાત પડી. લાઈટ નહીં, ટોર્ચ નહીં. એકદમ સન્નાટો, તમરાના તિવ્ર અવાજો, સાપ સરકે ત્યારે પાંદડા ખખડવાના અવાજો, ઘુવડ, ચામાચિડિયાંની ઊડાઊડ અને આ અંધકારમય જંગલમાં ચાર બાળકો એકલા. બાજુમાં પ્લેનનો કાટમાળ અને તેમાં ત્રણ લાશ. આ દ્રશ્ય હોરર ફિલ્મ કરતાં પણ ભયાનક હતું.

આ છે એમેઝોનનું ગાઢ જંગલ. જેની વચ્ચે પ્લેન ક્રેશ થયું હતું

આ છે એમેઝોનનું ગાઢ જંગલ. જેની વચ્ચે પ્લેન ક્રેશ થયું હતું

બીજા દિવસની સવાર પડી. બાળકો રડતાં હતા. મમ્મી-મમ્મી કરતાં હતા. પણ કોઈ જવાબ આપતું નહોતું. ત્રણેય નાનાં બાળકોનો એકમાત્ર આધાર હતી લેસ્લી. તે હિંમત કરીને પ્લેનના કાટમાળ પાસે ગઈ. ત્રણ મૃતદેહ પડ્યા હતા. મમ્મીનો મૃતદેહ જોઈને એ પણ ગદગદ બની ગઈ. રડવા લાગી પણ ફરી થોડી સ્વસ્થ થઈ ભાઈઓ વિશે વિચારવા લાગી. એણે પ્લેનના કાટમાળમાંથી બ્રેડ ક્રમ્સનો ભૂક્કો અને બ્રેડ શોધ્યા. પાણીની બોટલ મળી તે પણ લીધી. કાટમાળથી થોડે દૂર બેઠેલા ત્રણેય નાનાં ભાઈઓને બ્રેડ અને પાણી આપ્યા. લેસ્લીએ પોતે પણ ખાધા. તકલીફ તો ત્યાં હતી કે એક ભાઈ 9 વર્ષનો, બીજો 4 વર્ષનો સમજણા હતા ને સપોર્ટ કરતા પણ 11 મહિનાના ભાઈને શું ખવડાવવું? તેની નાનકડી દૂધની બોટલ સાથે હતી, તેમાં એટલું દૂધ નહોતું કે ઘણા દિવસો ચાલે. એ બિચારું બાળક રડ્યા કરતું હતું. થોડીવાર થાય તો આંખો બંધ કરીને ઊંઘી જાય. ફરી ઉઠે તો રડે. લેસ્લી માટે એકલા હાથે આ બધું મુશ્કેલ હતું 9 વર્ષનો ભાઈ સોલેની પણ થાય એટલી મદદ કરતો. હવે જંગલમાં બીજે ક્યાં જઈ શકાય? લેસ્લીએ કહ્યું, આપણે જ્યાં પાણી હોય ત્યાં જઈએ. અને પ્લેનના કાટમાળથી દૂર ચારેય બાળકો ચાલવા લાગ્યા.

એક રાતે એવું થયું કે અનુભવના કારણે બચી ગયા
એમેઝોન જંગલ, નામ જ ખતરનાક છે. આ ચાર બાળકો સવારે થોડું ચાલે. બપોરે બેસી જાય. સાંજે થોડું ચાલે તો રાત્રે બેસી જાય. આ બાળકો એવી જગ્યા શોધીને બેસી જતા તેને કોઈ જાનવર કે ઝેરીલી વનસ્પતિથી ખતરો ન થાય.
ઘણા ઓછા લોકોને ખબર હશે કે એમેઝોનમાં એવા વેલા થાય છે તે ભૂલથી પણ તેના પર પગ આવી ગયો તો પગને આંટી મારીને માણસને ખેંચી લે. પછી આ વેલની ચૂંગાલમાંથી નીકળવું મુશ્કેલ બની જાય. આપણા ઘર કે ઓફિસમાં દસ મિનિટ માટે લાઈટ જાય તો આપણે મોબાઈલની ફ્લેશ લાઈટ કરી દઈએ. અજવાસ વગર બે મિનિટ પણ રહેવાતું નથી. હવે માણસને અંધારા વગર રહેવાની ટેવ પડી ગઈ છે. તો જરા વિચારો 13 વર્ષની બાળકી અને બાકી તેનાથી પણ નાનાં બાળકો ગાઢ જંગલમાં રખડતા ભટકતા હોય. એમાં પણ રાત પડે એટલે વાતાવરણમાં ગજબનો ભય પેદા થાય. કાચા-પોચા હૃદયવાળાને તો હાર્ટએટેક જ આવી જાય. આવી ભયાનક સ્થિતિ વચ્ચે બાળકો રહ્યા. 11 મહિનાનું બાળક પણ સાથે હતું જ. આટલા નાનાં બાળકને અંધારામાં કેટલો ડર લાગે, જરા વિચારો.
એક રાતે એવું થયું કે, બાળકો વિરાટકાય વૃક્ષના થડ પાસે બેઠા હતા અને થડમાં પોલાણ હતું. એટલે આરપાર નીકળી શકાય. ચામાચીડિયાંનો રાતના સન્નાટામાં ચિરરચિચિ... અવાજ સંભળાય. ઘુવડનો અવાજ... કૂપ્પ... કુર્રર્ર.. કૂપ્પ... રીતસર પડઘા પડે એવો સંભળાય. તમરા અને જાતજાતના જંતુઓના અવાજ તો ખરા જ. આવા ભયના ઓથાર હેઠળ આ વૃક્ષ પાસે ઝેરી કરોળિયો આવ્યો. કરોળિયો એટલે આપણે ઘરમાં જોઈએ છે એવો નહીં. ચાર ફૂટનો કરોળિયો. લાંબા-જાડા કેબલ વાયર જેવડા તેના પગ. આગળના ડંખ પણ કાંટાળા અને ટેનિસ બોલ જેવડી આંખો.... એમેઝોનના જંગલમાં ચાર-ચાર ફૂટ સુધીના કરોળિયા થાય છે. જાણે મોટો કાચબો હોય એવું લાગે. આ મહાભયાનક ઝેરી કરોળિયો વૃક્ષના થડ પાસે આવ્યો, જ્યાં બાળકો બેઠા હતા. આ કરોળિયાની ખાસિયત એ છે કે તે શિકારીના શરીરનું બધું લોહી ચૂસી જાય અને શરીરને સૂકું બનાવીને ફેંકી દે. ધીરેધીરે પાંદડામાં ખડખડ અવાજ આવ્યો. લેસ્લી એલર્ટ થઈ ગઈ અને સાવ નાનકડા ભાઈને ખોળામાં બેસાડી બીજા ભાઈઓને ઈશારો કરીને અવાજ ન આવે એ રીતે સરકવા લાગી. સાવ નાનકડો ભાઈ તો વારંવાર રડે એટલે શિકારી પણ સતર્ક બની જાય. પણ કરોળિયો પોતાનો શિકાર કોઈ બાળકને બનાવે તે પહેલાં આ બાળકો ધીમા પગલે, ઉતાવળ કર્યા વગર નીકળી ગયા. આવા ખૌફનાક અનુભવો બાળકોએ કર્યા છે.

ઓપરેશન 'હોપ' આ રીતે પાર પડ્યું
આરાકવારા શહેરથી ઉડેલું નાનકડું વિમાન એર કંટ્રોલના રડારમાંથી બહાર નીકળી ગયું એટલે નક્કી થઈ ગયું કે પ્લેન ક્રેશ થઈ ગયું છે. રડારમાંથી બહાર નીકળ્યું તે વિસ્તાર એમેઝોન જંગલનો વિસ્તાર હતો. એટલે પ્લેન જંગલમાં પડ્યું હશે અને કોઈ બચ્યું નહીં હોય એવું પણ માની લેવામાં આવ્યું. એટલે સાતેયના મૃતદેહ શોધવાની કવાયત શરૂ કરવામાં આવી. 1 મેએ પ્લેન ક્રેશ થયું. પંદર દિવસ સુધી સેટેલાઈટ ઈમેજ અને એ બધી રીતે પ્રયાસ કર્યા પણ પ્લેનનું એક્ઝેટ લોકેશન મળ્યું નહીં. અંદાજો મળ્યો કે જંગલના આ ભાગમાં પ્લેન પડ્યું હોવું જોઈએ.
કોલંબિયાના ન્યૂઝ પેપરમાં, ટીવી ચેનલમાં, સોશિયલ મીડિયામાં, બધે એક જ ચર્ચા હતી કે પ્લેન મળશે કે નહીં?
અંતે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આર્મીને કામ સોંપ્યું કે, જાવ એમેઝોન જંગલમાં પ્લેન ક્રેશ થયું છે તેમાં ચાર બાળકો સહિત સાત લોકો હતા. તેમના મૃતદેહો શોધી લાવો. આર્મીએ પ્લાન બનાવ્યો અને 16મી મેએ શરૂ થયું 'ઓપરેશન હોપ'. ચોપર્સ તૈયાર કરાયા, 100થી વધારે આર્મી જવાનોની અલગ અલગ ટીમ બનાવાઈ. એમેઝોનના જંગલમાં હેલિકોપ્ટર લેન્ડ થઈ શકે એવી કોઈ શક્યતા નથી. એટલે આર્મીના જવાન હવામાં અદ્ધર હેલિકોપ્ટરમાંથી દોરડાંથી નીચે ઉતર્યા. સર્ચ ઓપરેશન શરૂ થયું. દિવસ-રાત સર્ચ ચાલુ રહ્યું ત્યાં ચાર દિવસે પ્લેનનો કાટમાળ મળ્યો. તેમાં ત્રણ અડધા સડી ગયેલા મૃતદેહો મળ્યા. પણ બાળકો મળ્યા નહીં. આર્મીએ અનુમાન કરી લીધું કે બાળકો જીવે છે અને ક્યાંક નજીકમાં હશે અથવા કોઈ જંગલી જાનવર લઈ ગયા હશે. કાંઈ પણ હોઈ શકે. એમેઝોન જંગલમાં ખૂંખાર દીપડા અને દીપડાથી યે ખૂંખાર જેગુઆર છે. હિંસક રિંછ, માંસાહારી ગરૂડ, ઝેરીલા સાપ અને એનેકોન્ડા જેવા અજગરો છે. આ બધા વચ્ચે આટલા દિવસ પછી પણ બાળકો બચી શકે નહીં અને જો બચી ગયા હોય તો ચમત્કાર જ કહેવાય.

આર્મીએ કોડ રાખ્યો 'ચમત્કાર'
16મીમેથી ઓપરેશન હોપ શરૂ થયું. જોતજોતામાં 8 જૂન આવી ગઈ પણ બાળકો મળ્યા નહીં. આટલા દિવસોમાં આર્મીના જવાનોએ 2600 કિલોમીટર ચાલીને જંગલના ઘણા ભાગો ફરી લીધા પણ બાળકો ન મળ્યા તે ન જ મળ્યા. આ સમાચારો સતત બ્રાઝીલ અને કોલંબિયાના અખબારો અને ચેનલમાં રિલિઝ થતા હતા. બંને દેશના લોકો પણ હવે એ ઈંતઝારમાં હતા કે ચાર બાળકોનું શું થયું હશે? જીવતા મળશે કે નહીં? ઘરે ઘરે પ્રાર્થના થવા લાગી. લોકો માટે આ મુદ્દો ટોક ઓફ ધ કન્ટ્રી બની ગયો.
આ તરફ 9 જૂને એમેઝોનમાં સ્નીફર ડોગની ટીમ ઉતારવામાં આવી. સ્નીફર ડોગને ખોવાયેલા બાળકોને શોધવાની વિશેષ ટ્રેનિંગ અપાયેલી હોય છે. આર્મીના જવાનોને જંગલના અમુક ભાગમાંથી દૂધની બોટલ મળી, બે કાતર મળી, હેરબેન્ડ મળ્યા. કાદવના ભાગમાંથી બાળકોનાં પગલાંના નિશાન દેખાયા. આર્મીના જવાનોને કન્ફર્મ થઈ ગયું કે બાળકો જીવતાં છે. આખરે 10 જૂને વહેલી સવારે સ્નીફર ડોગ ત્યાં પહોંચ્યો જ્યાં બાળકો બેઠાં હતાં. 1 મેએ પ્લેન ક્રેશ થયું. 10 જૂને બાળકો મળ્યા. 40 દિવસ એમેઝોનના ગાઢ જંગલમાં દિવસ-રાત વિતાવ્યા. માત્ર એક રાત આપણે જંગલમાં રહીએ અને તેનો વિચાર કરીએ તો પણ કંપારી છુટી જાય. આ તો બાળકો, એમાં એક તો 11 મહિનાનું. તો પછી જીવતા કેવી રીતે રહ્યા, તે મોટો સવાલ છે અને સવાલ કરતાં પણ આ મોટો ચમત્કાર છે. એટલે જ કોલંબિયાની આર્મીએ કોડ વર્લ્ડ રાખ્યો હતો, 'ચમત્કાર'.

કોલંબિયાની આર્મીએ ચાર બાળકોનું એમેઝોન જંગલમાંથી રેસક્યૂ કર્યું હતું

કોલંબિયાની આર્મીએ ચાર બાળકોનું એમેઝોન જંગલમાંથી રેસક્યૂ કર્યું હતું

બાળકો 40 દિવસ જંગલમાં કેવી રીતે જીવતાં રહ્યાં?
દરેકના મનમાં સવાલ એ છે કે ખતરનાક મનાતા એમેઝોન જંગલમાં જ્યાં દિવસે પણ અંધકાર હોય, રાત્રે તો બાજુમાં દીપડો કે સાપ આવી જાય ને દેખાય નહીં એવી જગ્યાએ બાળકો 40 દિવસ કેવી રીતે જીવતા રહ્યા? એનો જવાબ આ બાળકોના દાદી પાસે છે. તેના દાદી ફાતીમા વેલેન્સિયાએ કહ્યું, મારા બાળકોની રક્ષા જંગલે જ કરી છે. બાળકો જંગલ પાસે જ ઉછર્યા છે. અમારૂં ઘર એમેઝોન જંગલની નજીક છે. લેસ્લી બીજા બાળકો સાથે રમતાં રમતાં જંગલમાં જતી રહેતી અને તેને જંગલના ક્યા ફળ ખવાય, ક્યા ન ખવાય. ક્યા કંદ-મૂળ કે વનસ્પતિમાં વધારે પ્રોટિન, વિટામીન છે એ બધી ખબર હતી. સ્કૂલનો કેમ્પ ફોરેસ્ટ એરિયામાં હોય તો લેસ્લી તેમાં જતી અને જંગલથી વાકેફ થતી. તેણે 40 દિવસ સુધી વિટામીન, પ્રોટીન મળે તેવા મૂળ, બિજ પાન ખાધા અને ભાઈઓને ખવરાવ્યા. અનેક ફળમાંથી ક્યા ઝેરી છે અને ક્યા બિનઝેરી છે તેની પણ તેને ઓળખ હતી. આ રીતે ચાલીસ દિવસ પસાર કર્યા.
જ્યારે આર્મીને બાળકો મળ્યા ત્યારે બેસી શકતા હતા પણ ઊભા થઈને ચાલવા સક્ષમ નહોતા. એટલી નબળાઈ આવી હતી. આર્મી જવાનોએ ચોખ્ખું પાણી પાયું. સાથે લાવેલા ડ્રાઈફ્રૂટ્સ, બિસ્કીટ ખવડાવ્યા. દૂધ પાયું. પછી હેલિકોપ્ટરથી તેમને કોલંબિયાની રાજધાની બોગોટાની આર્મી હોસ્પિટલમાં લઈ જવાયા. અત્યારે ચારેય બાળકોની તબિયત સારી છે. બ્રાઝીલ અને કોલંબિયાના લોકો પણ આ સમાચારથી ઝૂમી ઉઠ્યા છે. જંગલ વચ્ચે જિંદગીની શોધ કરી રહેલા આર્મી જવાનોને જ નહીં, લોકોને પણ આ ઘટના પરથી શીખ મળી કે પ્રકૃતિને બચાવશો તો એ આપણને બચાવશે.